નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે દેશના ઘણા ભાગોમાંથી જાનમાલના નુકસાનના સમાચારો આવી રહ્યા છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તેના વીડિયો અને તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે. આમાંથી એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર ઉભેલા વાહનો પર પહાડ ઉપરથી પથ્થરો પડે છે, જેના કારણે એક ગાડી ચકનાચૂર થઈ જાય છે. આ પછી કેટલાક લોકોને કાળા રંગની ગાડીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળતા જોઈ શકાય છે. વીડિયો શેર કરીને કેટલાક યુઝર્સ તેને હિમાચલ પ્રદેશનો જણાવી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે વીડિયો નાગાલેન્ડનો છે. ત્યાં 4 જુલાઈના રોજ કોહિમા-દીમાપુર નેશનલ હાઈવે પર પહાડ પરથી પથ્થરો ગાડીઓ પર પડ્યા હતા. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વીડિયોને હિમાચલ પ્રદેશ સાથે કોઈ લેવાદેવા નથી.
ટ્વિટર યુઝર ‘જતિન શર્મા‘ (આર્કાઇવ લિંક)એ 13 જુલાઈ, 2023ના રોજ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે,“TATA HARRIER
All five passengers are safe Himachal, TATA the Great.Made in India“
ફેસબુક યુઝર ‘સંજય મૂલચંદાની’ (આર્કાઇવ્ડ લિંક)એ પણ 13 જુલાઈના રોજ વીડિયોને શેર કરીને તેને હિમાચલનો જણાવ્યો.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા તેને ધ્યાનથી જોયો. જેમાં ઘટનાનો સમય 4 જુલાઈ, 2023ના રોજ સાંજે 5.11નો આપવામાં આવ્યો છે. વીડિયો પર એવું પણ લખવામાં આવ્યું છે કે ભારતમાં રોડ પર મસમોટા પથ્થરો વાહનો પર પડ્યા. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ ઘટના 4 જુલાઈ 2023ના રોજ એટલે કે તાજેતરમાં જ બની હતી.
આ પછી અમે કીવર્ડથી આના વિશે સર્ચ કર્યું. હિન્દુસ્ટાન ટાઈમ્સના ઓટો સેક્શનમાં 5 જુલાઈના રોજ આ અંગેના સમાચાર પ્રકાશિત થયા છે. આમાં વાયરલ વીડિયોના કીફ્રેમને જોઈ શકાય છે. સમાચારમાં લખવામાં આવ્યું છે કે 4 જુલાઈની સાંજે નાગાલેન્ડના શુમૌકેડિમા જિલ્લાની નજીક કોહિમા-દીમાપુર નેશનલ હાઈવે 29 પર મસમોટા પથ્થરો પડતા એક ટાટા હેરિયર એસયુવી ચકનાચુર થઈ ગઈ હતી. પહાડ પરથી નીચે પડેલા મસમોટા પથ્થરે કારને કચડી નાખી અને અન્ય બે કારને નુકસાન થયું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં આ દુર્ઘટના થઈ છે તે જગ્યા ભૂસ્ખલન માટે જાણીતી છે. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે કે આ સ્થળનું નામ પકલા પહાડ છે. તેમણે પીડિત પરિવારોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી.
4 જુલાઈના રોજ ANIએ પણ આ વીડિયો (આર્કાઇવ લિંક)ને ટ્વીટ કરીને જાણકારી આપી છે કે નાગાલેન્ડમાં મસમોટા પથ્થરે કારને કચડી નાખી. જેમાં બેના મોત થયા છે જ્યારે ત્રણની હાલત ગંભીર છે.
વાઇસ ઓફ અમેરિકાની યુટ્યુબ ચેનલ પર 8 જુલાઈએ વાયરલ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. તેના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડના શુમૌકેદિમા જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં ત્રણ કારો પર મસમોટા પથ્થરો પડ્યા. આમાં વીડિયોની ક્વોલિટી પણ ક્લિયર છે.
આ વિશે વધુ જાણકારી માટે અમે નાગાલેન્ડ ટુડેના સંપાદક બાનો હરલુ સાથે સંપર્ક કર્યો અને તેમની સાથે વાયરલ વીડિયો શેર કર્યો. તેમનું કહેવું છે, “આ દુ:ખદ ઘટના 4 જુલાઈના રોજ બની હતી. આ રસ્તો ઘણો ખતરનાક છે અને ભૂસ્ખલન માટે જાણીતો છે. આ દીમાપુર-કોહિમા NH 29 છે.
તપાસના અંતે અમે ભ્રામક દાવાની સાથે વાયરલ વીડિયોને શેર કરનાર ટ્વિટર યુઝર જતીન શર્માની પ્રોફાઇલ સ્કેન કરી. જાન્યુઆરી 2021માં ટ્વિટર સાથે જોડાયેલા યુઝરના 2172 ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: નાગાલેન્ડના કોહિમા-દીમાપુર નેશનલ હાઈવે 29 પર 4 જુલાઈના રોજ વાહનો પર પથ્થરો પડ્યા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા. દુર્ઘટનાના તે વીડિયોને હિમાચલનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923