ફેક્ટ ચેક : પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થુ યોજના 2022ના નામે ફરી વાયરલ થઈ લિંક, ક્લિક કરતા જ થઈ શકો છો છેતરપિંડીનો શિકાર
- By: Sharad Prakash Asthana
- Published: Dec 30, 2022 at 12:35 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થુ યોજના 2022ના નામે ફરી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના હેઠળ તમામ બેરોજગારોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે. મેસેજમાં આ માટે યોગ્યતા અને ઉંમરની વિગતો પણ આપવામાં આવી છે. આ માટે લોકોને એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું છે, જે મેસેજમાં નીચે આપેલ છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર આ લલચાવનારા મેસેજની સાથે ફિશિંગ લિંક વાયરલ કરવામાં આવી રહી છે. આ ફેક મેસેજની આડમાં લિંક પર ક્લિક કરવાથી યુઝર સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે. સાયબર એક્સપર્ટે આવી લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. વિશ્વાસ ન્યૂઝે પહેલા પણ આવા ફેક મેસેજની તપાસ કરી છે અને લોકોને તેના વિશે ચેતવણી આપી છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 95992 99372 પર અમને એક વાચકે આ મેસેજ મોકલીને તેની સત્યતાની તપાસ કરવાનો આગ્રહ કર્યો. જેમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થુ યોજના 2022માં તમારું રજિસ્ટ્રેશન કરો, આ યોજના અંતર્ગત તમામ બેરોજગાર યુવાનોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે.
રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો અને તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટર કરો.
અરજી ફી – રૂ. 00
યોગ્યતા – ધોરણ 10 પાસ
ઉંમર – 18થી 40 વર્ષ
નીચે આપવામાં આવેલી લિંકથી રજિસ્ટ્રેશન કરો
https://rebrand.ly/berozgaar-bhatta-yojna
ફેસબુક યુઝર ‘Sonu Kumar Shaw‘એ પણ 20 ડિસેમ્બરે આ જ મેસેજ પોસ્ટ કર્યો હતો.
તપાસ
આ પ્રકારના વાયરલ દાવાઓની હકીકત તપાસવા માટે અમે પહેલા મેસેજમાં આપેલી લિંક જોઈએ છીએ. આ મેસેજમાં આપવામાં આવેલી લિંક કોઈ સરકારી વેબસાઈટ અથવા વિભાગની હોય તેવું લાગતું નથી. આ એક શોર્ટ URL છે. એટલે કે તે શંકાસ્પદ હોઈ શકે છે, કારણ કે જો આ સરકારની યોજનાની લિંક હોત તો તે કોઈ સરકારી વેબસાઈટની સંપૂર્ણ લિંક હોત, જેમાં અંતે gov.in લખવામાં આવ્યું હોત.
આ અંગે અમે કીવર્ડ્સ સાથે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. આમાં અમને કોઈપણ વિશ્વસનીય વેબસાઇટ પર આવા કોઈ સમાચાર નથી મળ્યા, જેનાથી આ દાવાની પુષ્ટિ થઈ શકે. વધુ માહિતી માટે અમે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયની વેબસાઈટ પર પણ આ વિશે સર્ચ કર્યું, પરંતુ અમને આવો કોઈ પરિપત્ર કે અખબારી યાદી મળી ન હતી.
આ અંગે અમે સાયબર એક્સપર્ટ અને ભારતીય સાયબર આર્મીના સંસ્થાપક કિશ્લય ચૌધરી સાથે વાત કરી. તેઓનું કહેવું છે, ‘આ એક ફિશિંગ લિંક છે. આ અંગે PIBએ પણ ચેતવણી આપી છે. આ મેસેજ ફેક છે. સાયબર ઠગ આવા લલચાવનારા મેસેજની સાથે ફિશિંગ લિંક્સ મોકલીને લોકોને તેમની જાળમાં ફસાવે છે. આવી લિંક પર ક્લિક કરવાથી તમારો ડેટા હેક થઈ શકે છે. આ માટે હંમેશા લિંકને કાળજીપૂર્વક તપાસો અને સરકારી વેબસાઈટ પર જઈને તેની પુષ્ટિ કરો.’
અમે ફેક મેસેજ શેર કરનાર ફેસબુક યુઝર ‘સોનુ કુમાર શૉ’ની પ્રોફાઈલ સ્કેન કરી. આ એકાઉન્ટની તપાસ કરતા તે હાવડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેના લગભગ ફેસબુક પર 5,000 ફ્રેન્ડ્સ છે.
નિષ્કર્ષ: પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થુ યોજના 2022 હેઠળ દરેક બેરોજગારને દર મહિને 6000 રૂપિયા આપવાનો મેસેજ ફેક છે. આ મેસેજની સાથે ફિશિંગ લિંક વાયરલ થઈ રહી છે. સાયબર એક્સપર્ટે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. આમ કરવાથી યુઝરનો ડેટા હેક થઈ શકે છે.
- Claim Review : પ્રધાનમંત્રી બેરોજગાર ભટ્ટ યોજના 2022 હેઠળ દરેક બેરોજગારને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે.
- Claimed By : FB User- Sonu Kumar Shaw
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.