Fact Check: ઈન્ડિગોના મુસાફર સાથે ગેરવર્તનનો 2017નો વીડિયો ભ્રામક દાવાની સાથે વાયરલ
- By: Umam Noor
- Published: Jul 15, 2023 at 01:13 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્ચૂઝ): સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈન્ડિગો ફ્લાઈટના ગ્રાઉન્ડ સ્ટાફને એક મુસાફર સાથે ગેરવર્તન કરતા જોઈ શકાય છે. વીડિયોને તાજેતરનો ગણાવીને યુઝર્સ તેને શેર કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો વર્ષ 2017નો છે, આ બનાવ દિલ્હીમાં બન્યો હતો. જૂનો વીડિયો ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
વાયરલ પોસ્ટને શેર કરતા એક ફેસબુક યુઝરે લખ્યું કે, ”ઈન્ડિગો ફ્લાઈટ એટેન્ડન્ટે ફ્લાઈટ પકડવા માટે બસમાં ચઢી રહેલા એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગેરવર્તન કર્યું. તેઓએ તેમને ધક્કો મારીને પાડી દીધા અને તેમનું ગળુ દબાવી દીધું, ફ્લાઇટ એટેન્ડન્ટના ઘમંડી વલણનો પર્દાફાશ થવો જોઈએ અને તેઓને આવું કરવા બદલ સજા થવી જોઈએ.”
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
અમારી તપાસને શરૂ કરતા અમે વાયરલ પોસ્ટના કીવર્ડ્સ સાથે Google News પર સર્ચ કર્યું. સર્ચમાં અમને આ વીડિયો NDTVની YouTube ચેનલ પર 8 નવેમ્બર, 2017ના રોજ અપલોડ કરાયેલો મળ્યો. અહીં આપેલી જાણકારી અનુસાર, “ગયા મહિને જ્યારે વિનય કટિયાલ ઈન્ડિગોની ફ્લાઈટમાં ચેન્નાઈથી દિલ્હી પહોંચ્યા, ત્યારે તેમણે વિચાર્યું પણ નહોતું કે એરલાઈન્સ સ્ટાફ દ્વારા તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવશે. ઘટનાના એક વીડિયોમાં યાત્રીને કોચની રાહ જોતી વખતે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોઈ શકાય છે.”
આ સમાચાર અમને દૈનિક જાગરણની વેબસાઇટ પર પણ મળ્યા, જેને 8 નવેમ્બર, 2017ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, “દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ઈન્ડિગો સ્ટાફ દ્વારા એક પેસેન્જર સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. તેનો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એરલાઈન્સે કર્મચારીના આ વર્તન બદલ માફી માંગી હતી. IGI એરપોર્ટ ડીસીપી સંજય ભાટિયાએ જણાવ્યું કે, 15 ઓક્ટોબરે રાજીવ કટિયાલ ચેન્નાઇથી આવેલી ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓ કોચ બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગેરસમજ થવા પર એરલાઈન્સના કર્મચારી જુબી થોમસની રાજીવ કટિયાલ સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી. નજીવી તકરાર બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ બંને પક્ષોની વચ્ચે સમાધાન થયું હતું. આ પછી પોલીસે કોઈ પણ કેસ કર્યા વગર બંને પક્ષોને છોડી મૂક્યા હતા.”
આ મામલે અમને ANIનું 8 નવેમ્બર 2017નું એક ટ્વીટ પણ મળ્યું. જે મુજબ, ‘નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુએ ઈન્ડિગો હુમલાના મામલામાં તમામ હિતધારકો (એરલાઈન કર્મચારી અને પીડિત)ને બોલાવ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈન્ડિગોના પ્રેસિડેન્ટ આદિત્ય ઘોષે આ ઘટના બાદ નિવેદન જાહેર કરીને માફી પણ માંગી છે.
ફેક પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરને 89 લોકો ફોલો કરે છે અને યુઝર ફેસબુક પર એકદમ એક્ટિવ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વર્ષ 2017નો છે, આ મામલો દિલ્હીમાંથી સામે આવ્યો હતો. જૂના વીડિયોને ફરી એકવાર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : ઈન્ડિગો ફ્લાઈટ એટેન્ડન્ટે ફ્લાઇટ પકડવા માટે બસમાં ચઢી રહેલા એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગેરવર્તન કર્યું.
- Claimed By : ફેસબુક યુઝર Shaik Shakeer
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.