નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના મૃત્યુ પછી તેના ઘણા જૂના વીડિયોને તાજેતરના જણાવીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે. હવે આકાંક્ષા દુબેનો ભોજપુરી સિંગર સમર સિંહની સાથે એક પાર્ટીનો જૂનો વીડિયો વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અભિનેત્રીના મૃત્યુ પહેલાનો વીડિયો છે. વીડિયોમાં આકાંક્ષા દુબે બર્થડે કેક કાપતી જોવા મળી રહી છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. વાયરલ વીડિયો વર્ષ 2022નો છે. જેને હવે ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક યુઝર ‘SR Vlog & Entertainment’એ 3 એપ્રિલે આ વીડિયોને શેર કર્યો છે અને લખ્યું છે, “મૃત્યુ પહેલાનો વીડિયો (આકાંક્ષા દુબે) Akanksha dubey Birthday Party video”
આ વીડિયોને સાચો માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે સૌથી પહેલા સંબંધિત કીવર્ડ્સથી ગૂગલ પર સર્ચ કર્યું. આ દરમિયાન અમને વાયરલ વીડિયો આકાંક્ષા દુબેના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ મળ્યો. 21 ઓક્ટોબર 2022ના રોજ અપલોડ કરાયેલા વીડિયોમાં આકાંક્ષા દુબેને કેક કાપતી જોઈ શકાય છે. આમાં સમર સિંહ સાથે ભોજપુરી સિંગર ખુશ્બુ તિવારી કેટીને પણ જોઈ શકાય છે.
અમને આકાંશા દુબેની આ બર્થડે પાર્ટીની અન્ય ઘણી તસવીરો અને વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળ્યા. આને પણ ઓક્ટોબર 2022ના રોજ શેર કરવામાં આવ્યા હતા.
વાયરલ વીડિયો સાથે સંબંધિત વીડિયો અમને ભોજપુરી સિંગર સમર સિંહના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ મળ્યો. વીડિયોને 23 ઓક્ટોબર 2022ના રોજ શેર કરીને આકાંક્ષા દુબેને ટેગ કરવામાં આવી હતી. ભોજપુરી સિંગર ખુશ્બુ તિવારી કેટીએ પણ આકાંશા દુબેની આ બર્થડે પાર્ટીની તસવીરને 21 ઓક્ટોબર 2022ના રોજ શેર કરી હતી.
આ પહેલા પણ વિશ્વાસ ન્યૂઝ આવા જ દાવાની તપાસ કરી ચૂક્યું છે, જેમાં વીડિયોને વાયરલ કરી દાવો કરવામાં આવ્યો હતો કે આ અભિનેત્રીના મૃત્યુના થોડા સમય પહેલાનો વીડિયો છે. તપાસ દરમિયાન દાવો ભ્રામક સાબિત થયો હતો. વાયરલ વીડિયો જૂનો હતો, જેને આકાંક્ષા દુબેના મૃત્યુ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો હતો. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરી અહીં વાંચી શકો છો.
વાયરલ વીડિયોને લઈને અમે આકાંક્ષા દુબેના મૃત્યુ સાથે સંબંધિત સમાચારને કવર કરનાર દૈનિક જાગરણ, વારાણસીના ક્રાઈમ રિપોર્ટર દિનેશ સિંહ સાથે સંપર્ક કર્યો, તેમણે કહ્યું, “આકાંક્ષા દુબેના મૃત્યુના થોડા સમય પહેલાનો વીડિયો જણાવીને વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો જૂનો છે. વીડિયો આકાંક્ષા દુબેની બર્થડે પાર્ટીનો છે.”
દૈનિક જાગરણમાં 2 એપ્રિલ 2023ના રોજ પ્રકાશિત ન્યૂઝ રિર્પોટ અનુસાર, ફિલ્મના શૂટિંગ માટે વારાણસી આવેલી ભોજપુરી અભિનેત્રી સારનાથ સ્થિત એક હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. 25 માર્ચે આકાંક્ષા કોઈ પાર્ટીમાંથી મોડી રાત્રે હોટલ પરત આવી હતી. 25 માર્ચે હોટલના રૂમમાં તેનો મૃતદેહ મળ્યો હતો. ભોજપુરી અભિનેત્રીની આત્મહત્યા પછી સનસનાટી ફેલાઈ ગઈ. આકાંક્ષા દુબેના મૃત્યુ બાદ તેની માતા મધુ દુબેએ ભોજપુરી ગાયક અને અભિનેતા સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
વાયરલ પોસ્ટને ખોટા દાવા સાથે શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઇલને અમે સ્કેન કરી. યુઝરને ત્રણ હજારથી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આકાંશા દુબેની પાર્ટીના વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો ઓક્ટોબર 2022નો છે. જેને હવે ખોટા દાવા સાથે શેર કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923