Fact Check: PM મોદી નથી ગયા ગદર 2 ફિલ્મ જોવા, એડિટેડ વીડિયો કરવામાં આવી રહ્યો છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ગદર 2ના રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણી ફેક અને ભ્રામક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક યુઝર્સ એક વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગદર 2 ફિલ્મ જોવા પહોંચ્યા છે. વીડિયોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, એસ. જયશંકર, સર્બાનંદ સોનોવાલ અને અન્ય નેતાઓને જોઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. અસલી વીડિયો ઓગસ્ટ 2023નો છે. જ્યારે નવી દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને અન્ય નેતાઓની સાથે બેઠક કરી હતી. તે જ વીડિયોને હવે ગદર 2 ફિલ્મ જોવાના દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક પેજ ‘Open now’એ 13 ઓગસ્ટ (આર્કાઇવ લિંક)ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા લખ્યું, “પહેલીવાર ગદર 2 ફિલ્મ જોવા પહોંચ્યા મોદીજી, ટેક્સ ફ્રી ગદર 2”

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કરી રહ્યા છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગદર 2 ફિલ્મ જોવાને લઈને સર્ચ કર્યું. અમને આવા કોઈ સમાચાર ન મળ્યા. અહીંથી અમે અમારી તપાસ આગળ વધારી. વીડિયોના સ્ક્રીનશોટને યાન્ડેક્સ ટૂલમાં અપલોડ કર્યો. અમને વાયરલ વીડિયો ઘણી જગ્યાએ અપલોડ થયેલો મળ્યો. અહીં આ વીડિયોને બીજેપી સંસદીય દળની બેઠકનો જણાવવામાં આવ્યો છે.

સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયોનું આખું વર્ઝન પીએમ મોદીની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર મળ્યું. 8 ઓગસ્ટ 2023ના રોજ અપલોડ કરાયેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી.

વાયરલ વીડિયો સાથે સંબંધિત વીડિયો રિપોર્ટ અમને ‘ડીડી ન્યૂઝ’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. 8 ઓગસ્ટ 2023ના રોજ અપલોડ કરાયેલા રિર્પોટ મુજબ, લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ. વીડિયોની સાથે આપવામાં આવેલ ડિસ્ક્રિપશન મુજબ, “અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા પીએમ મોદીએ કહ્યું, ”વિપક્ષ અવિશ્વાસથી ભરેલો છે.”

વાયરલ વીડિયો સાથે જોડાયેલા સમાચાર ‘BusinessStandard.com’ની વેબસાઈટ પર પણ વાંચી શકાય છે. સમાચારમાં વીડિયોના સ્ક્રીનશૉટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે, “સંસદના નીચલા ગૃહમાં થનારી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના સાંસદ જે.પી નડ્ડા પણ સામેલ થયા હતા. બેઠક માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા સહિત અન્ય મંત્રી પહોંચ્યા.” indiablooms.comની વેબસાઇટ પર પણ વીડિયો સંબંધિત સમાચારને વાંચી શકાય છે.

વાયરલ વીડિયોમાં ઉપયોગ કરાયેલી તસવીર જેમાં પીએમ મોદી અને સની દેઓલને ફિલ્મના પોસ્ટરની સાથે જોઈ શકાય છે. વાસ્તવમાં તે પણ એડિટેડ છે. અસલી તસવીર વર્ષ 2019માં કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન વખતની છે. તેની સાથે જોડાયેલા ઘણા ન્યૂઝ રિર્પોટને અહીં વાંચી શકાય છે.

તેની વધુ પુષ્ટિ માટે અમે ગૃહ મંત્રાલયને કવર કરતા દૈનિક જાગરણના રિપોર્ટર નીલુ રંજન સાથે વાત કરી. તેમનું કહેવું છે, “આ ફેક છે. વીડિયો તાજેતરમાં યોજાયેલી બેઠકનો છે.”

છેલ્લે અમે એડિટેડ વીડિયોને શેર કરનાર પેજને સ્કેન કર્યું. અમને જણાવા મળ્યું કે પેજને 22 હજાર લોકો ફોલો કરે છે. ફેસબુક પર આ પેજને 13 મે 2022ને બનાવ્યું છે. 

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પીએમ મોદીના ગદર 2 ફિલ્મ જોવાના નામે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો એડિટેડ છે. અસલ વીડિયો ઓગસ્ટ 2023માં યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકનો છે, જેને હવે એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ