ફેક્ટ ચેકઃ PM મોદી અને તેમની માતા હીરાબેનની આ તસવીર તેમના CM બન્યા તે પહેલાની છે
- By: Jyoti Kumari
- Published: Jan 8, 2023 at 04:26 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 30 ડિસેમ્બરના રોજ અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબેન 100 વર્ષના હતા. સોશિયલ મીડિયા પર એક જાહેર કાર્યક્રમની જૂની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં પીએમ મોદી તેમની માતા સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી અને તેમની માતાની આ તસવીર તે સમયની છે, જ્યારે તેમણે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પોસ્ટમાં તસવીરની તારીખ 7 ઓક્ટોબર, 2001 જણાવવામાં આવી છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું. વાયરલ તસવીર શપથ ગ્રહણ સમારોહની નથી, પરંતુ 30 જાન્યુઆરી 1992ની છે. ત્યારે નરેન્દ્ર મોદી ભાજપની ‘એકતા યાત્રા’ પૂરી કરીને અમદાવાદ પરત ફર્યા હતા. ભ્રામક દાવા સાથે જૂની તસવીર શેર કરવામાં આવી રહી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક પેજ “His Highness કોપી-પેસ્ટિયા બાબા”એ 30 ડિસેમ્બરે પોસ્ટને શેર કરી છે અને લખ્યું છે કે, “જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે માતા હીરાબેન તેમના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. આ તે જ દિવસની (7 ઓક્ટોબર, 2001)ની સુંદર તસવીર છે.’
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે તસવીરને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરી. આ દરમિયાન અમને આ તસવીર Jansatta.comની વેબસાઇટ પર જોવા મળી. 30 ડિસેમ્બર 2022ના રોજ પ્રસિદ્ધ થયેલા સમાચારમાં વાયરલ તસવીરની સાથે બીજી ઘણી તસવીરો પણ જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, આ તસવીરો 30 જાન્યુઆરી, 1992ની છે, જ્યારે નરેન્દ્ર મોદી ‘એકતા યાત્રા’ પૂરી કરીને અમદાવાદ પરત ફર્યા હતા.
સર્ચ દરમિયાન વાયરલ તસવીર અમને blog.mygov.in/ની વેબસાઇટ પર પ્રકાશિત બ્લોગમાં મળી. 20 જૂન 2022ના રોજ પીએમ મોદીએ તેમની માતાના 100મા જન્મદિવસ પર આ બ્લોગમાં તેમની ‘એકતા યાત્રા’થી પરત ફરતી વખતે 30 જાન્યુઆરી, 1992ના રોજ અમદાવાદમાં યોજાયેલા તે કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં હીરાબા તેમની સાથે જોવા મળ્યા હતા. આ એ જ તસવીર છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં માત્ર બે જ એવા પ્રસંગો આવ્યા છે જ્યારે તેમની માતા તેમની સાથે કોઈ જાહેર કાર્યક્રમમાં જોડાયા હોય. પહેલી વાર 30 જાન્યુઆરી 1992ના રોજ જ્યારે તેઓ ‘એકતા યાત્રા’થી પાછા ફર્યા અને બીજી વખત 7 ઓક્ટોબર 2001ના રોજ જ્યારે તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પીએમ મોદીએ પોતાના બ્લોગમાં વર્ષ 2001ના શપથ ગ્રહણની તસવીર શેર કરવાની સાથે બીજી ઘણી તસવીરો પણ શેર કરી છે.
તપાસમાં અમને “Modi Archive” નામના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી 30 ડિસેમ્બર, 2022ના રોજ કરવામાં આવેલી ટ્વિટમાં પણ વાયરલ તસવીર પણ મળી. અહીં પણ અમદાવાદમાં 30 જાન્યુઆરી, 1992ના રોજ યોજાયેલા કાર્યક્રમ વિશે જણાવવામાં આવ્યું હતું.
તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે ગુજરાતી જાગરણના રાજકીય તંત્રી રાજેન્દ્રસિંહ પરમારનો સંપર્ક કર્યો હતો. વાયરલ પોસ્ટની લિંક તેમની સાથે શેર કરી. તેમણે કહ્યું કે, વાયરલ પોસ્ટ ભ્રામક છે. પીએમ મોદી અને હીરાબાની આ તસવીર ‘એકતા યાત્રા’ની છે, શપથ ગ્રહણ સમારોહની નહીં.
હવે આ પોસ્ટ વાયરલ કરનાર પેજની તપાસ કરવાનો વારો હતો. ફેસબુક પેજ “His Highness કોપી-પેસ્ટિયા બાબા” ના સોશિયલ સ્કેનિંગથી જાણવા મળ્યું કે આ પેજને 19K ફોલો કરે છે. ફેસબુક પર આ પેજ 10 ફેબ્રુઆરી, 2013ના રોજ બનાવવામાં આવ્યું હતું.
નિષ્કર્ષ: પીએમ મોદી અને તેમની માતાની આ વાયરલ તસવીર 30 જાન્યુઆરી, 1992ની છે, જ્યારે તેઓ ‘એકતા યાત્રા’થી અમદાવાદ પરત ફર્યા હતા. જો કે નરેન્દ્ર મોદી જ્યારે 7 ઓક્ટોબર, 2001ના રોજ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમની સાથે તેમની માતા હીરાબેન મોદી હાજર હતા, પરંતુ વાયરલ તસવીર શપથ ગ્રહણ સમારોહની નથી.
- Claim Review : નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં માતા હીરાબેને હાજરી આપી હતી.
- Claimed By : His Highness કોપી પેસ્ટિયા બાબા
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.