નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્ર શેખર આઝાદ પર હુમલો કરવા મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ચંદ્ર શેખર આઝાદ પર ફાયરિંગ કરનાર આરોપીઓને માત્ર બે દિવસમાં જ જામીન મળી ગયા છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો નીકળ્યો. આ કેસમાં ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ કસ્ટડીમાં છે. સહારનપુર પોલીસના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને આ દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો હુમલાની ઘટના પહેલાનો છે.
સોશિયલ મીડિયા યુઝર ‘Purushottam Bairwa Hatholi’એ વાયરલ વીડિયોને શેર કરીને લખ્યું છે કે, ”તમે બધા જોઈ શકો છો કે જેમણે ભાઈ ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગ કર્યું હતું. તેમને માત્ર 2 દિવસમાં જ જામીન મળી ગયા. હવે તમે જોઈ શકો છો, સમજી જાવ. અહીં ન્યાયની વાત કરનાર કોઈ નથી.”
અન્ય કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને સમાન દાવા સાથે શેર કર્યો છે.
કીવર્ડ સર્ચમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા અનેક સમાચાર મળ્યા. હિન્દી ન્યૂઝ 18ના 1 જુલાઈના રિપોર્ટ મુજબ, “ભીમ આર્મીના નેતા ચંદ્ર શેખર રાવણ પર હુમલો કરનારા ચારેય હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ હરિયાણાની અંબાલા કોર્ટમાં સરેન્ડર કરવાની તૈયારી કરી રહ્યા હતા અને આ દરમિયાન પોલીસે હુમલાખોરોની અંબાલાથી ધરપકડ કરી લીધી. ત્રણ આરોપી દેવબંદના રણખંડી ગામના રહેવાસી છે, જ્યારે એક હરિયાણાનો રહેવાસી હોવાનું કહેવાય છે.”
અન્ય કેટલાક રિપોર્ટમાં પણ હુમલાખોરોની ધરપકડનો ઉલ્લેખ છે. જોકે, કોઈપણ રિપોર્ટ્સમાં આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ નથી.
સહારનપુર પોલીસ તરફથી આ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓને લઈને પોલીસ મહાનિર્દેશકનું નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. મળેલી માહિતી મુજબ દેવબંદમાં ચંદ્ર શેખર આઝાદ પર ફાયરિંગ કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
તાજેતરના રિપોર્ટ મુજબ, આઝાદ સમાજ પાર્ટીના સ્થાપક ચંદ્ર શેખર આઝાદ પર હુમલા બાદ ભીમ આર્મી, ભારત એકતા મિશન અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકર્તાઓએ રાષ્ટ્રપતિના નામે એસડીએમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું, જેમાં ઝેડ પ્લસ સુરક્ષાની માંગણી કરવામાં આવી છે.
વાયરલ દાવાને લઈને અમે આરોપીઓની ધરપકડ કરવા માટે રચવામાં આવેલી ઘણી ટીમોમાંથી એકનું નેતૃત્વ કરનારા સહારનપુર જિલ્લાના દેવબંકના સીઓ રામકરણ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, આ મામલે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, “ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને હજુ સુધી તેમને જામીન મળ્યા નથી.”
આરોપીને જામીન મળી ગયાના દાવા સાથે વાયરલ વીડિયોને ચેક કર્યો. વીડિયોમાં “મહાકાલ મહાકમા રણખંડી,Vicky Rana Rankhandi Welcome Back #307” લખેલું છે અને આ કીવર્ડ સાથે સર્ચ કરવા પર‘Vicky Rana Monu Rana Gangster M.R Group’ નામની યુટ્યુબ ચેનલ પર 8 જૂન, 2023ના રોજ અપલોડ વીડિયો મળ્યો.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, સહારનપુરમાં ચંદ્ર શેખર આઝાદ પર હુમલો 28 જૂને થયો હતો.
અને વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર 8 જૂન પહેલાથી જ છે. સ્પષ્ટ છે કે આ વીડિયોને ચંદ્ર શેખર આઝાદ પરના હુમલા સાથે કોઈ લેવાદેવા નથી. વિશ્વાસ ન્યૂઝ આ વીડિયોના લોકેશન અને સંદર્ભની પુષ્ટિ કરતું નથી, પરંતુ અમે પુષ્ટિ કરીએ છીએ કે આ વીડિયો તાજેતરનો નથી.
વાયરલ વીડિયોને ફેક દાવાની સાથે શેર કરનારા યુઝરની પ્રોફાઈલ પરથી કોઈ ચોક્કસ વિચારધારાથી પ્રેરિત કન્ટેન્ટ શેર કરવામાં આવે છે.
નિષ્કર્ષ: ભીમ આર્મીના નેતા ચંદ્ર શેખર આઝાદ પર હુમલો કરનાર આરોપીઓને હુમલાના બે દિવસમાં જ જામીન મળ્યાનો દાવો ફેક છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને આ મામલે પોલીસની તપાસ ચાલી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923