Fact Check : કોંગ્રેસ નેતાની તસવીરને અતીક અહેમદની હત્યાનો આરોપી જણાવી સપા પર સાધવામાં આવ્યું નિશાન
- By: Ashish Maharishi
- Published: Apr 24, 2023 at 12:31 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): અતીક અહેમદની હત્યા બાદ સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પાછળ ઉભેલા એક શખ્સને લાલ વર્તુળ બનાવીને અતીક અહેમદનો હત્યારો જણાવવામાં આવી રહ્યો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. જાણવા મળ્યું કે મધ્ય પ્રદેશના સિહોરના યુથ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષની તસવીરને અતીક અહેમદના હત્યારાના નામે વાયરલ કરવામાં આવી રહી છે. તેમનું નામ રાજકુમાર યાદવ છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક પેજ ‘I support CAA NRC CAB‘ પર 16 એપ્રિલના રોજ એક તસવીરને પોસ્ટ કરતા લખવામાં આવ્યું, ‘યે રહ્યા લાલ ઘેરે મે અતીક કા હત્યારા અખિલેશ યાદવ કે સાથ સોશિયલ મીડિયા મે. યે ક્યાં ચલ રહા હૈ. કાલી દાલ મેં કાલા.
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યુઝે વાયરલ તસવીરના અસલી સોર્સને શોધવા માટે સૌથી પહેલા ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલના માધ્યમથી સર્ચ કરવા પર અસલી તસવીર અમને અખિલેશ યાદવના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મળી. 13 એપ્રિલના રોજ અપલોડ કરવામાં આવેલી ઘણી તસવીરોની સાથે વાયરલ તસવીરને પણ જોઈ શકાય છે. પોસ્ટ અનુસાર, આ તસવીર અખિલેશ યાદવની મધ્ય પ્રદેશની મુલાકાતની છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા 13મી એપ્રિલની તારીખમાં અખિલેશ યાદવ સાથે જોડાયેલા સમાચારને સર્ચ કરવાનું શરું કર્યું. અમને ઘણી ન્યૂઝ વેબસાઈટ પર તેમના મધ્ય પ્રદેશની મુલાકાત સંબંધિત સમાચાર મળ્યા. જાણવા મળ્યું કે અખિલેશ યાદવ ખરગોનમાં મધ્ય પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ સુભાષ યાદવની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવા પહોંચ્યા હતા. આ ઉપરાંત આંબેડકર જયંતિના દિવસે મહુ પણ પહોંચ્યા હતા. અખિલેશ યાદવની મધ્ય પ્રદેશની મુલાકાતના સમાચાર ABP ન્યૂઝ અને Jagran.com પર વાંચી શકાય છે .
સર્ચ દરમિયાન યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર પ્રવાસ સાથે સંબંધિત વીડિયો મળ્યા. અબરાર પઠાણ નામના એક પત્રકારે પણ એક વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પહોંચ્યા કસરવાડના બોરાવા ગામમાં, સ્વર્ગસ્થ સુભાષ યાદવજીની પ્રતિમા પર કરી પુષ્પાંજલિ. આ વીડિયોમાં અમને વાયરલ તસવીરમાં જોવા મળી રહેલો શખ્સ પણ જોવા મળ્યો. આ સિવાય તે શખ્સને પણ જોઈ શકાય છે, જેના ચહેરા પર લાલ ગોળ વર્તુળ કરીને હત્યારો જણાવવામાં આવ્યો છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા મધ્ય પ્રદેશ સ્થિત કોંગ્રેસના યુવા નેતા આનંદ જાટ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ તસવીર શેર કરી. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ શખ્સનું નામ રાજકુમાર યાદવ છે. તેઓ સિહોર યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે. તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે રાજકુમાર યાદવ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ તસવીર શેર કરી. તેમણે કહ્યું કે આ તસવીર ખરગોનના બોરાવા ગામની છે. અખિલેશ યાદવ અહીં સ્વર્ગસ્થ સુભાષ યાદવને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. સપા ઉપરાંત અન્ય પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો પણ અહીં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે લાલ વર્તુળમાં દેખાઈ રહેલી વ્યક્તિ અન્ય કોઈ નહીં, પરંતુ તેઓ પોતે જ છે. તેમની પાછળ દેવાસના વિક્રમ પટેલ છે. તેઓ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા અતીક અહેમદની હત્યાના ત્રણ આરોપી અને વાયરલ તસવીરમાં દેખાઈ રહેલા શખ્સની તસવીરનો તુલનાત્મક અભ્યાસ કર્યો. તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે.
તપાસના અંતે, ‘I support CAA NRC CAB’ નામના ફેસબુક પેજનું સોશિયલ સ્કેનિંગ કરવામાં આવ્યું. આ પેજ પરથી નકલી પોસ્ટ વાયરલ કરવામાં આવીતી. જાણવા મળ્યું કે આ પેજને બે હજારથી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ નકલી સાબિત થઈ. જે શખ્સને અતીક અહેમદનો હત્યારો કહેવામાં આવી રહ્યો છે, તેઓ સિહોર યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજકુમાર યાદવ છે.
- Claim Review : અતીક અહમદનો હત્યારો અખિલેશ યાદવ સાથે
- Claimed By : ફેસબુક પેજ I support CAA NRC CAB
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.