Fact Check: એકદમ સ્વસ્થ છે દિગ્ગજ બોલિવૂડ અભિનેતા જિતેન્દ્ર, તેમના નિધનને લઈને વાયરલ થઈ રહેલો દાવો ભ્રામક છે
- By: Pallavi Mishra
- Published: Jul 31, 2023 at 12:25 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): એક સનસનાટીભર્યા હેડલાઈન સમાચારની લિંકને સોશિયલ મીડિયા પર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રનું નિધન થયું છે. આ હેડલાઈનને વાંચીને એવું લાગી રહ્યું છે કે ‘પરિચય’ અને ‘આદમી ખિલૌના હૈ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અભિનેતા જિતેન્દ્ર કપૂર વિશે વાત થઈ રહી છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક સાબિત થયો. આખા સમાચાર વાંચ્યા બાદ જાણવા મળે છે કે જે અભિનેતાના નિધનને લઈને આ સમાચાર બનાવવામાં આવ્યા છે તેમનું નામ જિતેન્દ્ર શાસ્ત્રી છે, જેમનું ગયા વર્ષે અવસાન થયું હતું. સનસનાટીભર્યા હેડલાઈન્સ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
જ્ઞાનસંખ્યા નામની વેબસાઈટે 1 જુલાઈ, 2023ના રોજ આ સમાચાર ચલાવ્યા, જેની હેડલાઈન હતી “બોલિવૂડના સુપરસ્ટાર જિતેન્દ્રએ દુનિયાને કહી દીધું અલવિદા, ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનના આંસુ નથી રોકાઈ રહ્યા” સમાચારમાં 2 તસવીરોના કોલાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પહેલી તસવીરમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અર્થીને કાંધ આપતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં અમિતાભ બચ્ચન એક ભાવુક મહિલાને સાંત્વના આપતા જોવા મળી રહ્યા છે.
સમાચારની લિંક અને આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
તપાસ
આ અફવાનું સત્ય જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા ગૂગલ સર્ચનો સહારો લીધો. સર્ચ દરમિયાન વાયરલ પોસ્ટમાં દાવો કર્યા મુજબ અમને અભિનેતા જિતેન્દ્ર કપૂરના નિધનના આવા કોઈ સમાચાર ક્યાંય મળ્યા નથી.
તપાસને આગળ વધારતા અમે પોસ્ટમાં આપેલી લિંક પર ક્લિક કર્યું. 1 જુલાઈ, 2023ના રોજ પ્રકાશિત સમાચારમાં નીચે જણાવવામાં આવ્યું છે કે અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન થયું છે. જિતેન્દ્ર શાસ્ત્રીએ ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’ અને ‘મિર્ઝાપુર’ સિરીઝમાં કામ કર્યું હતું.
વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે જિતેન્દ્ર શાસ્ત્રીનું ઓક્ટોબર 2022માં જ નિધન થયું હતું. આ અંગેના સમાચાર ઘણી વેબસાઈટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
હવે અમે વાયરલ પોસ્ટમાં આપેલી બંને તસવીરોને એક-એક કરીને તપાસવાનું નક્કી કર્યું.
પહેલી તસવીર
અમે કોલાજની પહેલી તસવીર જેમાં અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન જોવા મળી રહ્યા છે, તેને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કરી. અમને આ તસવીર હિન્દુસ્તાન ટાઈમ્સના 9 જૂન 2019ના એક સમચારમાં મળી. સમાચાર અનુસાર, તસવીર તે સમયની છે, જ્યારે આ બંને ઘણા વર્ષો સુધી તેમની સેક્રેટરી રહેલ શીતલ જૈનના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા.
બીજી તસવીર
હવે અમે બીજી તસવીરની તપાસ કરી, જેમાં અમિતાભ બચ્ચન એક મહિલાની સાથે જોવા મળી રહ્યા છે. અમને આ તસવીર Spotboye.comમાં 22 ફેબ્રુઆરી, 2018ના રોજ પ્રકાશિત કરાયેલા સમાચારમાં મળી. સમાચાર અનુસાર, આ તસવીર તે સમયની છે જ્યારે અમિતાભ બચ્ચન આદેશ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તસવીરમાં દેખાઈ રહેલી ભાવુક મહિલા આદેશ શ્રીવાસ્તવની પત્ની વિજયતા પંડિત છે.
પોસ્ટની સત્યતા જાણવા માટે અમે દૈનિક જાગરણ માટે એન્ટરટેઈનમેન્ટ કવર કરતા મુખ્ય પત્રકાર સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે જિતેન્દ્ર કપૂર બિલકુલ સ્વસ્થ છે અને આ પોસ્ટ ભ્રામક છે. અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રી જેઓ ‘મિર્ઝાપુર’ સિરીઝમાં કામ કરી ચૂક્યા છે તેમનું નિધન થયું છે.
તપાસના અંતે અમે આ પોસ્ટને શેર કરનાર વેબસાઇટની તપાસ કરી. આ વેબસાઇટના About Us Sectionમાં આ વેબસાઇટને એક ન્યૂઝ આઉટલેટ જણાવવામાં આવી હતી. વેબસાઇટ પર આ ભ્રામક સમાચારને શુભમ તિવારીએ લખ્યા છે. સાઇટ પર આપવામાં આવેલી વિગતો અનુસાર, તેઓ જ્ઞાનસંખ્યા વેબસાઇટના સ્થાપક અને સંપાદક છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે અભિનેતા જિતેન્દ્ર કપૂરના નિધનની અફવા ફેલાવતા સમાચાર ભ્રામક છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું છે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર કપૂર એકદમ સ્વસ્થ છે.
- Claim Review : Superstar actor Jitendra is dead
- Claimed By : Web site names Gyansankhya
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.