Fact Check: શું RBI બહાર પાડશે 1000 રૂપિયાની નવી નોટ? જાણો વાયરલ દાવા અને તસવીરનું સત્ય
- By: Abhishek Parashar
- Published: Jun 7, 2023 at 04:15 PM
- Updated: Jul 7, 2023 at 04:55 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): નોટબંધી બાદ જારી કરાયેલી 2000 રૂપિયાની નવી નોટોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં જ 1000 રૂપિયાની નવી સિરીઝની નોટો બહાર પાડવા જઈ રહી છે. આ દાવાની સાથે 1000 રુપિયાની લીલા રંગની નવી નોટની તસવીરને પણ શેર કરવામાં આવી રહી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો અને બનાવટી હોવાનું જાણવા મળ્યું. સાથે જ તપાસમાં જાણવા મળ્યું કે, આ દાવાની સાથે વાયરલ થઈ રહેલી તસવીર ફેક છે, જેને એડિટિંગની મદદથી તૈયાર કરવામાં આવી છે. RBIએ પણ આ દાવાને સ્પષ્ટ રીતે બનાવટી ગણાવતા કહ્યું કે 1000 રૂપિયાની નોટને બહાર પાડવાની કોઈ યોજના નથી.
શું થઈ રહ્યું છે વાયરલ?
સોશિયલ મીડિયા યુઝર ‘Apan Kuruji Rj’એ 1000 રૂપિયાની નોટો પાછી આવી રહી હોવાનો દાવો કરી તેની તસવીરને પણ શેર કરી છે.
કેટલાક અન્ય યુઝર્સે પણ આ તસવીરને સમાન દાવા સાથે શેર કરી છે. ટ્વિટર પર પણ યુઝર્સ સમાન દાવા સાથે 1000 રૂપિયાની નવી નોટોની તસવીરને શેર કરી રહ્યાં છે.
તપાસ
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 19 મેના રોજ 2,000 રુપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ નોટોને નોટબંધી બાદ બહાર પાડવામાં આવી હતી.
RBI દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ , ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ 2000 રુપિયાની નોટોને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ નોટો માન્ય રહેશે.
RBIના આ નિર્ણય બાદથી જ સોશ્યિલ મીડિયા પર 1000 રૂપિયાની નોટોને ફરીથી જારી કરવાનો દાવો કરવામાં આવ્યો. નવી નોટો જારી કરવા અથવા જૂની નોટો પાછી ખેંચવાની માહિતી સત્તાવાર રીતે RBI સૂચનાઓના માધ્યમથી આપે છે. RBIની વેબસાઈટ અથવા સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમને આવી કોઈ માહિતી મળી નથી, જેમાં 1000 રુપિયાની નવી નોટોને બહાર પાડવાની માહિતી આપવામાં આવી હોય.
જોકે, ન્યૂઝ સર્ચમાં અમને એવા ઘણા રિર્પોટ્સ મળ્યા, જેમાં આ દાવાને નકારવામાં આવ્યો છે. NDTVના રિર્પોટ મુજબ, RBI ગવર્નર શક્તિકાંત દાસે 1000 રૂપિયાની નોટોને બહાર પાડવાની વાતને અફવા ગણાવી છે. 1,000 રૂપિયાની નોટોને ફરીથી બહાર પાડવા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, “આ એક કલ્પના સિવાય બીજું કંઈ નથી. અત્યારે એવી કોઈ યોજના નથી.” કેટલાક અન્ય રિર્પોટ્સમાં 1,000 રુપિયાની નવી નોટોને બહાર પાડવાની સંભાવના અંગે RBIના ગવર્નરના જવાબનો ઉલ્લેખ છે.
વાયરલ મેસેજ અંગે અમે બિઝનેસ સ્ટાન્ડર્ડના ડેપ્યુટી ન્યૂઝ એડિટર નીલકમલ સુંદરમ સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે, નોટબંધી પછી આ અફવા સમયાંતરે વાયરલ થઈ રહી છે. 2000 રુપિયાની નોટો પાછી ખેંચના નિર્ણય બાદ જ્યારે 1000 રુપિયાની નવી નોટોને ફરીથી જારી કરવા વિશે RBI ગવર્નરને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટપણે ઇનકાર કર્યો કે આવી કોઈ યોજના નથી.
આ પહેલીવાર નથી, જ્યારે 1000 રૂપિયાની નવી નોટને જારી કરવા અંગેની અફવા વાયરલ થઈ હોય. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીના નિર્ણયને કારણે 500 અને 1000 રુપિયાની નોટો પાછી ખેંચી લેવામાં આવી હતી અને તેની જગ્યાએ 500 અને 2000 રુપિયાની નવી સિરીઝની નોટોને બહાર પાડવામાં આવી હતી, જેમાંથી 2,000 રુપિયાની નોટો હવે RBIએ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારની કેન્દ્રીય માહિતી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ( PIB)એ પણ આ અફવાનું ખંડન કરતાં તેને બનાવટી દાવો ગણાવ્યો હતો.
RBIની વેબસાઈટ પર નોટબંધી પછી જૂની સિરીઝની નોટો અને નવી સિરીઝની નોટોને જોઈ શકાય છે. નોટબંધી પછી RBIએ 10, 20, 50, 100, 200, 500 અને 2000ની નવી સીરીઝની નોટો જારી કરી હતી, જેમાંથી 2000 રુપિયાની નોટો પાછી ખેંચી લેવામાં આવી છે.
RBIની વેબસાઈટ પર, અમને 1000 રૂપિયાની નવી નોટો વિશે કોઈ માહિતી કે કોઈ તસવીર મળી નથી, જેને વાયરલ કરવામાં આવી રહી છે.
વાયરલ તસવીરને ખોટા દાવા સાથે શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ 4,000 લોકો ફોલો કરે છે. RBI અને બેંક નોટો સંબંધિત અન્ય ફેક્ટ ચેક રિર્પોટને વિશ્વાસ ન્યૂઝની વેબસાઇટ પર વાંચી શકાય છે .
નિષ્કર્ષ: 2016માં નોટબંધી પછી બહાર પાડવામાં આવેલી નવી સીરીઝની 500 અને 2000 રુપિયાની નોટોમાંથી 2000 રુપિયાની નોટોને RBIએ ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, RBIના આ નિર્ણય બાદ 1000 રૂપિયાની નવી નોટ બહાર કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, જે ખોટો અને બનાવટી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે 1000 રૂપિયાની નવી નોટ જારી કરવાની સંભાવનાને બનાવટી અને કાલ્પનિક ગણાવી છે અને આ દાવાની સાથે વાયરલ થઈ રહેલી તસવીર ફેક છે, જેને એડિટીંગની મદદથી તૈયાર કરવામાં આવી છે.
- Claim Review : ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે 2000ની નોટ
- Claimed By : FB User-Apan Karuli Rj
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.